8. કૃષિક્ષેત્ર

વાસ્તવમાં કૃષિ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ઉત્પાદકતા અથવા પ્રતિ હેક્ટર આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. કૃષિની ઓછી ઉત્પાદકતા માટે જવાબદાર પરિબળો નીચે મુજબ છે:
1. સંસ્થાકીય પરિબળો:

ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતાં ભૌતિક સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે.

જમીન મહેસૂલ પ્રથા : ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન-મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા : દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં જમીનદારો કુલ ખેત-ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવનનિર્વાક થઈ શકે તેટલું ખેત-ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા જેથી ખેતઉત્પાદન વધારવામાં કોઈને રસ ન હતો..

ખેત ધિરાણ : ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતાં જોવા મળે છે. જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. ભારતમાં 1951માં અંદાજે 71.6 ટકા ખેત ધિરાણ નાણાં ધિરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા અને હિસાબમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા હતા.

કૃષિ વિતરણ વ્યવસ્થા : ભારતમાં નબળા પાયાના માળખાને કારણે ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ-રસ્તા કે વાહનવ્યવહારની સગવડ યોગ્ય નથી. મોટા ભાગે ખેતપેદાશના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાનાં ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી. જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે.

ગ્રામીણ વિતરણ વ્યવસ્થા : ભારતના ખેડૂતો મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી.

2. ટેકનોલોજીકલ પરિબળો:

 ખેતીનાં જૂનાં સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતાં જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચે ઉત્પાદકતા આપે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછો કરે છે.
3. અન્ય પરિબળો:

  • વસ્તીનું ભારણ : કૃષિક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72 ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-02 અને 2013- 14માં 58 ટકા અને 49 ટકા નોંધવામાં આવી છે.

    આર્થિક આયોજનનો અભાવ : ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદ્ભણે ખેતીક્ષેત્ર માટે બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજના(1956)થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય-ફાળવણી તથા ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતીક્ષેત્રને આપેલું નથી. ભારતનું કૃષિક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી.

    આમ ઉપરનાં કારણોને લીધે ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.

કૃષિ ઉત્પાદકતા વધારવાના પગલાં:
કૃષિ એ ભારતીય અર્થતંત્રનો મુખ્ય વ્યવસાય અને ખૂબ જ મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેથી કૃષિ ઉત્પાદકતા વધારવી ખૂબ જ જરૂરી છે.

  • જો કૃષિ ઉત્પાદકતા વધે તો ગ્રામીણ અર્થતંત્રની આવક વધશે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને વેગ આપશે.
  • કૃષિ ઉત્પાદકતા વધારવા માટે નીચેના પગલાં લેવા જોઈએ:

 

ખેત ઉત્પાદક્તા વધારવાના ઉપાય

કૃષિક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કૃષિક્ષેત્રમાં ખેત-ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવાક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે.

(1) સંસ્થાકીય પરિબળો :

 જમીનવિષયક સુધારો :

ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તે માટે જમીનદારી નાબૂદીના કાયદા ખેડ-હકની સલામતી તથા સાથ નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.

સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ :

ભારત દેશમાં કૃષિક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. દેશની મધ્યસ્થ બેન્કનું અંગ એવું NABARD (National Bank for Agriculture and Rural Development)ની સ્થાપના 1982માં કરવામાં આવી. તેના અંતર્ગત RRB, (Regional Rural Banks) પરાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBs (Land Development Banks) જમીન-વિકાસ બેન્કોનો વિકાસ કરવામાં આવ્યો

કૃષિપેદાશનો વેચાણ-વ્યવસ્થામાં સુધારો : વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યાં છે.

(i) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.

(ii) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા 'એગમાર્ક' પ્રથા દાખલ કરવામાં આવી છે.

(iii) ખેડૂતો ખેતપેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી ‘રાષ્ટ્રીય કોઠાર નિગમ' અને 'રાજ્ય કોઠાર નિગમો' ઊભા કરવામાં આવ્યા છે.

(iv) સરકાર દ્વારા 'તળિયાના ભાવ' નક્કી કરવામાં આવ્યા.

કૃષિ- સંશોધનો :

ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમ જ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ-સંશોધનો જાતે કરી શકતા નથી, તેથી આ જવાબદારી NABARDને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારનાં કૃષિ-સંશોધનો કરે છે. અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો, ગ્રામવિકાસ યોજનાઓના પંચાયતી રાજ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્રે ખેતઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.

(2) ટેક્નોલોજિકલ સુધારો : સંસ્થાકીય સરખામણીમાં ટેક્નોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. સુધારાઓની

(I) સુધારેલાં બિયારણો : 

વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલાં  સુધારેલાં બિયારણો વિકસાવવામાં આવ્યા છે.

ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવાં બિયારણો મોટો ભાગ ભજવે છે.

તેથી અન્ન-ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને ‘કૃષિ ક્ષેત્ર'ને સ્થાને 'બીજ ક્રાંતિ' નામે પણ ઓળખવામાં આવે છે.

(ii)રાસાયણિક ખાતરનો વપરાશ :

સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે.

જે-તે પાકને જરૂરી (નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે, જેથી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ થઈ શકે.

(iii)સિંચાઈ સગવડમાં સુધારો :

ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. પરંતુ વરસાદ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત- ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા ઉપર પડે છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતા વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવા 'સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના' અને 'આંતર માળખાકીય વિકાસ ભંડોળ'ની રચના કરવામાં આવી છે.

(iv) યંત્રોનો ઉપયોગ :

ભારતમાં નીચી ખેત-ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે.

દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે યંત્રોની શોધ થઈ છે; જેને લીધે ઉત્પાદકતા વધી છે.

(v) જંતુનાશક દવાઓ :

પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે.

(vi) ભૂમિ-પરીક્ષણ :

વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ-પરીક્ષણ કરાવવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે-તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે- તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે.

(3) અન્ય ઉપાયો :

ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા-બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવાં સંસાધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતીક્ષેત્ર પરનું ભારણ ઘટે છે.

ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવામાં આવે તો ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ થશે અને ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે.

આધુનિક કૃષિ:
1966 થી ભારતમાં આધુનિક કૃષિનો ઉદય થયો. આધુનિક કૃષિમાં હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશકો, ખેતીના નવા મશીનો, સિંચાઈ વગેરે જેવા આધુનિક ઇનપુટ્સનો ઉપયોગ થાય છે. આ આધુનિક ઇનપુટ્સના ઉપયોગને કારણે કૃષિ ઉત્પાદનમાં મોટા પાયે વધારો થાય છે.
1. હરિયાળી ક્રાંતિ:
1960-61 થી ભારતના સાત જિલ્લાઓમાં 'પાયલોટ પ્રોજેક્ટ' તરીકે કૃષિની નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો, જેને 'સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ' (IADP) તરીકે ઓળખવામાં આવે છે.

  • સમય જતાં IADP ની અદ્ભુત સફળતાને કારણે, તે સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 'ઉચ્ચ ઉપજ આપતી જાતો કાર્યક્રમ' (HYVP) તરીકે ઓળખાતો હતો. તેને 'હરિયાળી ક્રાંતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • હરિયાળી ક્રાંતિને 'આધુનિક કૃષિ ટેકનોલોજી કાર્યક્રમ' અથવા 'બીજ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. બહુવિધ પાક:
બહુવિધ પાક ખેતી કાર્યની પ્રકૃતિ દર્શાવે છે. સામાન્ય રીતે બે પ્રકારના પાક જોવા મળે છે:

  • ખાદ્ય અનાજ: ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ, વગેરે અને
  • બિન-ખાદ્ય અનાજ - રોકડિયા પાક: મગફળી, તલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, શણ, વગેરે.

બહુવિધ પાક લેવાના કારણો:

  • તકનીકી કારણો: સુધારેલા બીજ, ખાતર, મૂડી, ધિરાણ સુવિધાઓ, વગેરે.
  • આર્થિક કારણો: ભાવ અને આવક વધારવા માટે, કૃષિ સાધનો, ખેતરનું કદ, વીમાનું રક્ષણ, મુદત, વગેરે.

૩. પાક સંરક્ષણ:
પાકને બચાવવા માટે જંતુનાશકોના ઉપયોગ સાથે કૃષિ ઉત્પાદકતા વધવી જોઈએ.

  • ભારતીય ખેડૂતોને વિવિધ પ્રકારના જંતુનાશકો અને તેના ઝેરના સ્તર વિશે માહિતી આપવા માટે કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ (CIBRC) ની નિમણૂક કરવામાં આવી છે.
  • ખેડૂતોમાં જંતુનાશકોના જથ્થા, ઉપયોગનો સમય અને ઝેરના સ્તર વિશેની માહિતી ફેલાવવી જોઈએ અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે જંતુનાશકોને વધુ અસરકારક બનાવવી જોઈએ.

૪. કૃષિ સંશોધન:

ICAR (Indian Council of Agricultural Research) એ એવી એકમાત્ર સંસ્થા છે,જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટે મદદ પૂરી પાડે છે. 

આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે.

ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય અનાજ-પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય પ્રયત્નો પણ કર્યા છે.